એક નાનકડી ટેકરી પર એક શ્રીમંત માણસ રહેતો હતો. એનો બંગલો અતિ સુંદર હતો. બગીચો પણ ખૂબ સરસ હતો. પણ એક વાતની કઠણાઈ હતી. ટેકરી પર પાણીનો કોઈ સ્રોત જ નહોતો. પાણી છેક તળેટીમાં આવેલ કૂવામાંથી લાવવું પડતું. એ કામ એનો એક નોકર કરતો. ખભે કાવડ નાંખી એ બંને તરફ એક એક ઘડો રાખતો. તળેટીમાંથી પાણી ભરીને કાવડ દ્વારા એ ઉપર પહોંચાડતો. રોજ કંઈકેટલાયે ફેરા કરે ત્યારે એનું કામ પૂરું થતું. રોજ વહેલી સવારથી એ કામ શરૂ કરતો ત્યારે છેક બપોર સુધીમાં એ પાણી ભરી લેતો. એનો એક તરફનો ઘડો ફૂટેલો હતો. તળેટીમાંથી પાણી ભરીને એ ઉપર સુધી પહોંચે ત્યાં સુધીમાં એ ઘડામાં ભરેલું પાણી અર્ધું થઈ જતું. એના કારણે એને થોડાક ફેરા વધારે કરવા પડતા. બીજા એક નોકરે આ જોઈને એને એક દિવસ કહ્યું કે, ‘ભાઈ ! તું આટલા બધા વધારાના ફેરા કરીને હેરાન થાય છે, એના કરતાં ફૂટેલો ઘડો જ બદલી નાંખને ! આવું ફૂટેલું ઠોબરું શું કામનું ? એના લીધે જ તારે વધારે મહેનત કરવી પડે છે. તું આ સમજવા છતાં શું કામ એને ફેંકી નથી દેતો એ જ મને તો સમજાતું નથી !’ કાવડવાળો નોકર કંઈ ન બોલ્યો. એણે પેલા નોકરને આ વખતના ફેરા વખતે પોતાની જોડે આવવાનું કહ્યું. બંને ઢાળ ઊતરતા હતા ત્યારે પેલા બીજા નોકરે જોયું તો રસ્તાની એક તરફ ખૂબ જ સુંદર ફૂલો ઊગી નીકળ્યાં હતાં. એના કારણે દૂરથી પણ રસ્તો ખૂબ જ રળિયામણો લાગતો હતો. કાવડવાળા નોકરે કહ્યું, ‘ભાઈ ! મને ખબર જ હતી કે આ ઘડો ફૂટેલો છે. પણ એમાંથી ઢોળાતા પાણીનો ઉપયોગ કરવા માટે રસ્તાની એક તરફ મેં તળેટીથી છેક ઉપર સુધી ફૂલછોડ વાવી દીધા હતા. ફૂટેલો ઘડો એની મેળે જ પાણી પિવડાવવાનું કામ કરી દેતો હતો. ટેકરી પરના રસ્તા પર ખાસ પાણી પિવડાવવા માટે આવવાની આળસ આવે. એના કરતાં ફૂટેલા ઘડાની ખામીનો ઉપયોગ થઈ શકે તેવો ઉપાય કર્યો. તું જ જો ! કેવાં સરસ ફૂલો ઊગી નીકળ્યાં છે ! આ ફૂલોથી હું આપણા માલિકનું ટેબલ રોજ સવારમાં શણગારું છું. એમને ફૂલો ખૂબ જ ગમે છે. અને એનાથી એમનો આખો દિવસ ખૂબ સરસ જાય છે. માલિક ખુશ રહે એનાથી વધારે આપણે શું જોઈએ ?’ એટલું કહી એણે પોતાના ફૂટેલા ઘડા તરફ નજર નાખી. એ ઘડો ત્યારે પણ ફૂલોને પાણી પાઈ રહ્યો હતો. બીજો નોકર આશ્ર્ચર્ય સાથે આ જોઈ રહ્યો.